બાહુબલી 2 મારુ ફાઇનલ કન્ક્લુસન…

modi

કટ્ટપા એ બાહુબલી ને કેમ માર્યો એ કરતા વિકટ પ્રશ્ન એ છે કે આપણે બધાએ ભેગા થઇ ને આના ડિરેકટર ને પ્રોડ્યૂસર ને કેમ ના મારવો?

મને ખબર છે કે ફિલ્મ માં સપના વેચવાના હોય પણ સપના એવા તો વેચો કે જે સામાન્ય માણસ સપના જોતો હોય. ફિઝિક્સ કે યુહમન કેપેસીટી નો એક પણ નિયમ આ પિક્સચર ને લાગુ નથી પડતો.એક તો સાઉથ ના હીરો પહેલી ફિલ્મ થી જ ચાર છોકરા ના બાપ હોય તેવા લાગતા હોય છે. એમાં પાછા આખા પિક્સચર માં સર્કસ ના ખેલ કરે રાખે, ત્યારે ભારે વરવા લાગે છે.. હજી તો રિક્લાઈનિંગ ચેર ઉપર રિલેક્સ થઇ બેસીયે તે ત્યાં જ પહેલા સીન થી ધૂમ ધડાકા શરુ થઇ ગયા કે છેક છેલ્લા સીન સુધી બાથરૂમ જવું હોય પણ તમને સીટ ઉપર કોઈએ પરાણે રોકી રાખ્યા હોય તેમ આકુળ વ્યાકુળ થઇ ને સીટ ઉપર બેઠા રહેવું પડ્યું. આના મેં પૈસા આપ્યા તા? આ પિક્ચર 1600 કરોડ કેમ કમાઈ ગયું એ જ ખબર નથી પડતી.

આખા પિક્ચર માં CGI (special visual effects created using computer software) ભરૂપુર ઉપયોગ નથી થયો, પરંતુ એના સિવાય બીજી કોઈ વસ્તુ નો જ ઉપયોગ નથી થયો. મને તો વચ્ચે એમ થયું કે હમણા અમને બધા ને હાથ માં play station ના કોન્ટ્રોલ આપી ને કહેશે કે આ વિડીયો ગેમ ની સ્ટોરી આગળ વધારો… આ બધી સીન સિનેરી એ CGI નો કમાલ હતો. આપણે પણ ઘર ની પછવાડે લીલા કંતાન ને લીલી સાડી બેક ગ્રાઉન્ડ માં બાંધી ને આપણા ધોબી શંકરલાલ ને દોરડે થી લટકાવી ને જાત જાત ના ખેલ કરાવી ને બાહું બલી 3 બનાવી શકીયે… મૂર્ખ બનાવાની વાતો છે બધી….

આમાં ઢંગનું શું હતું એ તો મને કોઈ કહો? માણસો ચોમાસા માં સ્ટ્રીટ લાઈટ નીચે ઉડતા ફુદાં ની જેમ ઉડે રાખતા હતા, કટ્ટપા વાયડો થયે રાખતો હતો, ને બાહુબલી બાઇડી ઘેલો હતો ને બાઈડી ને બહુ માથે ચડાવવી હતી, બાહુબલી ની બાઇડી બટક બોલી અને વાંકા પાડું હતી ને પછી સાસરામાં ના જ ટકે ને. આ બાજુ રાજ માતા ને આંખ માં જીવડું પડ્યું હોય તેમ પહેલા થી છેલ્લા સીન સુધી ડોળા કાઢી કાઢી ને ઘાટા જ પાડે રાખતી હતી. મને એમ થાય છે કે અસલ લાઈફ માં એનો વર કેમનો એની ભેગો રહેતો હશે….

બેઝિકલી ડિરકેટર અમર ચિત્રકથા વાંચી , હોલીવુડ નું ટ્રોય ,ગ્લેડીયેટર અને લોર્ડ ઓફ ધ રિંગ ની કેસેટ ને વીડિયો માં ચડાવવી ને દસ વાર જોઈ ગયો, ને થોડા લીલા કંતાન ત્રણ ચાર દોરડા બાંધી ને બે ત્રણ બેકાર સોફ્ટવેર એન્જીનયર ને પકડી કામે લગાડી ને ઉભું કરી દીધું બાહુબલી 2.

મારી સૌથી મોટી ભૂલ પહેલું બાહુબલી યુટ્યુબ ઉપર થોડા દિવસ પહેલા મફત જોયું એટલે ના છૂટકે બીજું છોકરા માટે થઇ ને થિયેટર માં જોવું પડ્યું… આશા રાખીયે કે 10 વર્ષ પછી આ અમેન્દ્ર તો પૌત્ર ને મહેન્દ્ર બાહુબલી નો છોકરો ધર્મેન્દ્ર બાહુબલી ડિરેક્ટર ઉભો ના કરે ..ભલું પૂછવું આપણા ધરમ પા—” માં કસમ કુત્તે ભલ્લપા મેં તેરા ખુન પી જાઉંગા….” કરી ને એ પિક્ચર માં આવી જાશે ….

અને અમેરિકામા ટૂંકા કપડાં પહેરાય ને ગન વાયોલન્સ બહુ છે ને સુફિયાણી વાતો કરતા ને કહે કે આપણે ત્યાં સેન્સર બોર્ડ જેવું છે કે નહિ? આ પિક્સચર અહીં બન્યું હોત તો કોઈ કાળે R સિવાય બીજું સર્ટિફિકેટ ના મળ્યું હોત. આટલી હદે વાયોલસન્સ છોકરા સાથે જોવાનું?

સાલી કરન જોહર એન્ડ કંપની મારા 45 ડોલર ખાઈ ગઈ…..મારા પડાવી ગયેલ પૈસા માંથી એ અર્ધનારેશ્વર પાછો કોફી વિથ કરણ માં ટાયલા જેવા સવાલ જવાબ પૂછી ને ગિફ્ટ હેમ્પર આપતો ફરશે… મૂર્ખ બનાવી ને 1600 કરોડ કેમ કમાવાય એ આ ટોળકી પાસે થી શીખવા જેવું છે…. મારા તો 45 ડોલર ગયા મગજ બંધ કરી ને પિક્સચર જોવા ગમતા હોય તો તમારા પૈસા બગાડજો…..
—————————————————-

નોંધ: આમાં પાછી કોઈ ઈંડિયા અમેરિકા ની માંડતા નહિ. બાહુ બલી નો બાપ — “એવીટાર “હોલીવુડ વાળા બનાવી ચુક્યા છે અને માણહ પાછળ પૂછડાં ચોંટાડી ને એ લોકો પણ કરોડો કમાઈ ગયા છે અને હું ત્યાં પણ મૂર્ખ બન્યો છું….

Advertisements
Posted in Introduction | Leave a comment

એક ટવીટ કરી દઉં…..

હમણા એક સ્ટોરી વાચી કે એક ભાઈ મુંબઈ થી અમદાવાદ ટ્રેન માં આવતા હતા ને એમની બારી નો કાચ ગંદો હતો ને બહાર કઈ દેખાતું નહોતું, એટલે એમણે સુરેશ પ્રભુ ને ટવીટ કર્યો ને થોડી વાર માં દરકે સ્ટેશન ઉપર રેલ્વે નો કર્મચારી બારી નો કાચ સાફ કરવા હાજર થઇ ગયો. વાહ માની ગયા સુરેશ પ્રભુ ને !…. માણસ દાદો કહેવાય…. જે રેવલે નાં ત્રણ ત્રણ કર્મચારી દરકે સ્ટેશન એક બારી નો કાચ સાફ કરવા નવરા હોય તે ખોટ ખાતી આખી રેલ્વે કેટલી ઓવર સ્ટાફ હશે જરા વિચાર કરો… આને સરખી કરવાનું બીડું ઝડપનાર ને દાદો તો કહેવો જ પડે ને….

અને આ ઢગો કિકલા ની જેમ બારી ની બહાર જોયા વગર રહી ગયો હતો ? મુંબઈ અમદાવાદ વચ્ચે એવું તો કયું કુદરતી સૌન્દર્ય પથરાયેલું છે કે આ ભાઈ ને કાચ સાફ કરવા માટે ટવી ટ કરવો પડ્યો! વાપી-અંકલેશ્વર ની ઝેરી હવા , ગંધાતી તાપી અને કેમિકલ ના પાણી થી ભરેલી વાત્રક આના સિવાય આ લાઈન ઉપર કઈ ખાસ નથી તો કાચ સાફ થયો કે નાં થયો શું ફેર પડે છે ભાઈ…. હજારો ટ્રેન રોજની દોઅડતી હોય છે, બધી કાય અપ ટુ ડેટ નાં હોય. ડાયલા ને કહે ટ્રેન અપ ટુ ડેટ રાખવી હોય તો લાલા પેલા ટીકીટ ની અસલ કોસ્ટ તો ભર … તારી ટીકીટ તો ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા સબસીડાઈઝ કરે છે ને ઉપર થી તું તારા ખ્વાબો નાં લીસ્ટ ટવીટર ઉપર રેલ્વે ને મોકલે રાખે છે એમ કેમ ચાલે? .. એક બાજુ તમારી ટીકીટ નાં 24 હજાર કરોડ તો ભારત સરકાર જોડે છે, પણ બીજી બાજુ ટવીટરીયા બાદશાહો ની ડીમાંડ ઘટ તી નથી…..

અને હા આ વાતે વાતે રેલ્વે માં ટવીટ કરવાનું બહુ હાલ્યું છે … કાલ સવારે આ ભાઈ ચાલુ ટ્રેને સંડાસ માં પાણી નથી આવતું કરી ને ટવીટ ઠોકશે … આ તો સુરેશ પ્રભુ છે ભાઈ ધ્યાન રાખજો…જો ગંદો કાચ સાફ કરવા દરેક સ્ટેશને ત્રણ રેલ્વે કર્મચારી આવતા હોય તો ભાઈ તારી ગંદકી સાફ કરવા દરેક સ્ટેશને ખાલી એક કર્મચારી પણ પાણી નો પાઈપ લઈને ફોર્સ થી પાણી તારી પાછળ છોડશે તો જરા વિચારજે કે તારું શું થશે…. વીરા ભૂલતા નહિ, રેલ્વે નાં સાઈડ નાં થાંભલા માં ભરાવેલા કાળા પાઈપ જેટલું ફોર્સ થી પાણી ભારત નાં એક પણ નળ માં થી નથી આવતું ! અમદાવાદ ઉતરી ને રીક્ષા માં બેસી નહિ શકે ને ખાલી AMTS માં પણ ઉભા ઉભા છેક ઘરે જાવું પડશે।….

સુરેશ પ્રભુ ને કહે કે આ વાંદરા ઓ ને ટવીટર નો દારૂ નાં પીવડાવાય, મારા જેવી નવરી પ્રજા તુક્કા શોધવામાં માહિર હોય…. કોઈ દિ જાપાન કે જર્મની વાળા ને આટલા બધા ટવીટર પર જોયા છે? નાં હોય કારણ કે એ મહેનતુ પ્રજા છે , તુક્કા બાજ નહિ …કામ થી મતલબ રાખે, અમેરિકા જો બેટરી થી ચાલતી કાર શોધી નાખી છે તો આપણે એથી ચડિયાતું શું કરીએ આવું એ લોકો વિચારે… નહિ કે આપણા એક બંધુ ની જેમ પાંદડા માં થી પેટ્રોલ બનવાના તુક્કા લગાવે…. ટવીટ કરવામાં માં ગણીને ને ચાર આંગળી થોડી ક જ હલાવાની હોય છે એટલે જ આ ગતકડું આપણા દેશ માં આટલું બધું હાલ્યું છે….

અને આ સુરેશ પ્રભું ને પણ થોડા ટાઢા પડવાની જરૂર છે…..ટ્રેન નો કાચ સાફ કરવા , ને કોઈક ને ટ્રેન માં દૂધ પહોચતું કરવા બધી સારી વાત છે … પણ મુંબઈ લોકોલ માં રોજ ના 10 પડી ને મરે છે, એટલે કે વર્ષ નાં 3650! આપણે થોડી ફ્રિકવન્સી વધારી ને બારણા નાખી દીધા હોય તો? કાચ તો પછી પણ સાફ થાશે, અહિ તો માણસ ની આખી જિંદગી જ સાફ થઇ જાય છે…. એનું પણ આપને કૈક વિચારવું પડશે ને .. કહો મિત્રો તો આ મુદ્દાની વાત ઉપર એક ટવી ટ કરી દઉં….

Posted in Society | 1 ટીકા

બસ ભાઈ જાવું જ છે?

zz

ભાઈ આમીર મને આ બીજો આઘાત લાગ્યો છે. પહેલો તારી ચવાઈ ગયેલા વિષય પર બનાવેલી પીકે જોઈને લાગ્યો તો ને બીજો આ. કા ભાઈ આમ કેમ તારી બાઈડી ને ખભે મૂકી ને બંદુક ફોડી? દંગલ આવે તે પહેલા જ દંગલ કરી મુક્યુ. તું જતો રહીશ?…. ક્યાં જઈશ?…. હાલ તારા થોડા ઓપ્શન જોઈએ. નીચે શ્રીલંકા તો નાં જવાય ત્યાં બધા લુંગી ડાન્સ કરી નાળીયેર પીધે રાખે છે. તારી ધોબી ઘાટ તો અમને સમજતા વાર લાગી તી ને ઈ લોકો તો તારી હિન્દી પણ નથી સમજતા, માટે ત્યાં નાં જા જવાય. બાંગ્લાદેશ ને નેપાળ તો તારા સ્ટેટ્સ માં નાં આવે તો રહ્યું પાકિસ્તાન, ત્યાં હાફીઝ સઈદ તારી વાઈફ નો ધર્મ બદલાવશે , મહીને મહીને પૈસા ઉઘરાવશે, બીજી બાજુ દાઉદ ને તગડા હપ્તા લેવા છેક મુંબઈ ફોન કરવો નહિ પડે તારે ઘેર આવીને લઇ જાશે માટે ત્યાં પણ નાં જવાય, ઇકોનોમિક લોસ મોટો છે. ઉપર અભગાનિસ્તાન માં તો ત્યાંનાં લોકો જ ત્યાં નથી રહેવા માંગતા ને ભાગવાની કોશિશ કરે છે. અમેરિકા વાળા ને તાલીબાન વાળા રોજ સામ સામી દિવાળી ઉજવે છે, એ લોકો દિવાળી નાં લક્ષ્મી છાપ ટેટા કે સુતળી બોમ્બ ની આપલે નથી કરતા, આરડીએકસ ને સાચા રોકેટુ ની રોજ આપલે થાય છે, યા વગર મફત નાં આપણે અંન્ટઅઈ જઈએ માટે ત્યાં પણ નાં જવાય. એની થોડે ઉપર રહ્યું રશિયા તો ટર્કીએ એનું પ્લેન આટી દીધા પછી પુટીન અંકલ ની હમણા ફટકેલી છે, તારી અટક વાચી ને ઈ બ્લેક બેલ્ટ તારી ઉપર કરાટે નાં દાવ પેચ અજમાવશે માટે રહેવા દે. એને હમણા બોલવામાં એણે હમણાં સીરિયા નામની ગજા બહારની ગધેડી પકડી છે. માટે એ જગ્યા પણ નકામી…. તો એની થોડે નીચે ચાઇના છે પણ તું છે મોફાટ… ફાવે એમ બોલે છે, ત્યાં જઈને તું ડેમોક્રેસી નો ડી બોલીશ એ લોકો ચુ- ચા વું- ચા કરી તને ઉચકી ને જેલ માં નાખશે 40-50 વર્ષ માટે.. તો આ બધા દેશ તો નાકમાં, તો હવે શું કર શું?

મિડલ ઇસ્ટ ? નાં બાપા નાં ત્યાં નથી જાવું હો, ત્યાં કોણ કોની જોડે લડે છે એજ ખબર નથી પડતી, તારી પીકે માં જો તું એક પણ વાક્ય એમના ધર્મ વિષે થોડું પણ દાઢ માં બોલ્યો હોઈશ ને તો એ લોકો તને કેસરી સુટ પહેરાવી તારી એજ દાઢથી નીચેના શરીર નો ભાગ છુટો કરી નાખશે, માટે ત્યાં તો જવાનું જ નથી. તો હાલ આપણે યુરોપ ચેક કરીએ… અહી બી યાર લોચા પડશે… આ લોકો હમણાં ફ્રાંસ માં માથાકૂટ થઇ ગઈ એટલે ભડકેલા છે. તને ઘુસવા તો દેશે પણ આ લોકો તારા નામ ને અટક ને કારણે તને સરખો જીવવા નહિ દે. સંડાસ માં પણ પોલીસ તારી પાછાળ પાછાળ આવશે ને ગેસ નાં ધડાકા છે કે બીજા કોઈ ઈ ચેક કરે રાખશે. એમ કેમ મજા આવે સંડાસ તો સરખું શાંતિ થી જાવું પડે ને? માટે અહી પણ નકામું. તો હાલો અમેરિકા… પણ અહી તો એરપોર્ટ પર જ તારી અટક ઈમીગ્રેશન વાળો સીસ્ટમ માં નાખશે એટલે તારા કડપા કાઢી તને ઉન્ધો ચત્તો કરી 10 કલાક તો ચેક કરશે, તારી કુંડળી પણ જોશે ને જો તારો ફોટો કોઈ એમના લીસ્ટ નાં કોઈ લબાડ જોડે નીકળ્યો તો લીલા તોરણે પાછો મોકલશે….

તો પછી તું જ કહે હવે શું કરશું? ….. બકા ગયા જ છે ને…. આટલી બધી તકલીફ લેવાની શું જરૂર છે? …. આમચી મુંબઈ આપણું જ ઘર છે ને રોકાઈ જા ને… અહી ભલે બધા ઇંટોલરંન્ટ રહ્યા પણ તું કોઈ પણ ધર્મ ની સ્ત્રી ને પરણીશ તો પણ તને કોઈ કહી નહિ કે, તું ધર્મ ની મજાક ઉડાવી ને 300- 400 કરોડ કમાઈશ તો પણ આ ઇંટોલરંન્ટ લોકો તને કહી નહિ કરે… તારે જે બોલવું હોય તે બોલ તને કોઈ જેલ માં નહિ નાખે, કે ના તો તને કોઈ હાથ પણ અડાડશે, બહુ બહુ તો તારા પુતળા બાળી ને ટ્વી ટર ને ફેસબુક પર થોડી બુમા બુમ કરશે પણ જેવો તું બે ચાર સત્યમેવ જયતે નાં એપિસોડ માં તારી કોડા જેવી આંખો માં થી ટીપા ટપકાવીશ એટલે આ ઇંટોલરંન્ટ લોકો તારી પાછી વાહ વાહ કરવા માંડશે…..તો પછી સમજ ને યાર….

જો હું દેશ છોડી ને જતો રહ્યો તે અલગ વાત છે, મને તો કોઈ ઓળખતું પણ નહોતું, બહુ બહુ તો ગલી નું કુતરું મારી પાસે આવી ને એક પગ ઉચો કરતુ હતુ, એથી વિશેષ આપણી કોઈ પહેચાન નહોતી. પણ જે દેશે તને આમીર માંથી આમીરખાન બનાવ્યો, ને હવે ત્યાં રહેવા જેવું નથી? આમ કેમ ચાલે ભાઈ? તું છે હોશિયાર માણસ, સંસદ શરુ થાય નાં આગલા દિવસે તે આ પલીતો ચાંપ્યો છે. બાઈડી ને ખભે બંદુક મૂકી ને ફોડી એ માં ગોળી ભરનાર કોઈ બીજા જ છે… એક બાજુ મોદી કાકા એના વાન્ગડો ને કેસરિયા દારૂની લત છોડવાની કોશિષ કરે છે ત્યાં તું છલકતા જામ લઇ ને હાજર થઇ ગયો! હવે ઈ દારૂડિયા તે આપેલો છલકતો જામ મુકે? એ મંડી પડશે ને પછી પાછો તું જ કહીશ અહી બધા તો દારૂડિયા જ છે, ને મારે અહી હવે નથી રહેવું.બકા અમે મૂરખા છીયે? તારી આ રમત નથી સમજતા? ગમે કે નાં ગમે મોદી કાકા પાચ વર્ષ માટે બેસી ગયા છે…..હવે કાય નાં થાય.

હશે હવે, હાલ આપણે કાય નથી જાવું… ભાઈ મારા —માં ઈ માં હોય, માં માં માધુરી શોધવા નાં બેસાય, થોડા ઘણા વાંધા વચકા બધે હોય આમ ઘર મૂકી ને નાં જવાય, ને છતાં પણ જાવું હોય તો ચંદુલાલ ઉપડો, 1.25 બિલિયન થી દેશ ઉભરાય છે એકાદ ઓછો થશે તો દેશ નો ભાર તો ઘટશે…….હેંડો ખોટા ડોળા કાઢવાના બંધ કરો ને ઉપડો ત્યારે રામ…રામ….

Posted in Society | 2 ટિપ્પણીઓ

અન્ના નહિ યે આંધી હે દેશ કા દુસરા ગાંધી હે!

anna.jpg

સવાર ના પહોર માં પોણી કલાક ના નિષ્ફળ પ્રયત્ન પછી મેં યુદ્ધ વિરામ જાહેર કરી, હારેલા યોદ્ધા ની જેમ નિરાશ થઇ હું જાજરૂ ની બહાર  નીકળી ગયો. હજી સોફા ઉપર બેઠો હતો ન હતો  ત્યાં મને જોર જોર થી કોઈ નારા લગાવતું મારા ઘર તરફ આવતું હોય તેવું લાગ્યું. થોડી વારમાં તો અમારો પાડોશી નો છોકરો જીમી –( મૂળ નામ તો જીવણલાલ મિસ્ત્રી છે પણ એ જીમી તરીકે પોતાને ઓળખાવે છે.) તેના થોડા કોલેજ ના મિત્રો સાથે આવી ચડ્યો. હજી હું કઈ કહું તે પહેલા  તો એક સાથે બધા બોલી ઉઠ્યા —કાકા અન્ના નહિ યે આંધી હે દેશ કા દુસરા ગાંધી હે….કાકા ગયો…ગયોં….ગયો…— એમ રાઠોડ ગયો! અરે રામ રામ હવે ગીતાનું કોણ ધ્યાન રાખશે….અરે કાકા તમારા નસીબ એટલા સારા નથી કે એમ રાઠોડ જાય. રાઠોડ તો આ અલમસ્ત પાડાની જેમ બેઠો છે. હું તો ભ્રષ્ટાચાર ની વાત કરૂ છું. બસ હવે ઈ ગયો સમજો. અન્નાની આંધી ચારે બાજુ ફેલાઈ ગઈ છે–ક્યાં આંધી ફેલાણી છે? અહી હું ૪૫ મિનીટ થી જાજરૂ માં બેઠો હતો, એકેય આંધી નાં આવી. ભાઈ અહી  તો છેલ્લા પાંચ દિવસ થી  નીરવ શાંતિ છે. હું તો કયારનો આંધી ની  રાહ જોઈ ને બેઠો છુ. ઈ આવે તો ક્યાંક પેટ હળવું થાય.– અરે  કાકા શું નાખી દેવા જેવી વાતો કરો છો, હું અન્ના હઝારે –વોર અગેન્સ્ટ કરપ્સન ની વાતો કરું છું…. લોકપાલ કાકા લોકપાલ…. ઓહ તો તું પેલા ધોતિયું પહેરેલા ડોસા ની વાત કરે છે, કે જે વાતે વાતે રિસાય ને ખાવાનું છોડી દે છે? અરે મારા ભાઈ તમે સમજો, ઈ દાદા ને પોતાનો સંસાર નથી. કોઈ ધ્યાન રાખવા વાળું છે નહિ, એટેલ શું કે  આવી ઉમરે આવા  માણસ બહુ સેન્સીટીવ થઇ જાય.અને વાતે વાતે એમને વાકું પડી જાય. કોઈ એ એને પ્રેમથી સમજાવવા જોઈ એ કે  સિહ ને એમ કહેવા ના જવાય કે તારા દાત બહુ પીળા છે ને મોઢું બહુ ગંધાય છે તો લાવ તને મારા હાથે બ્રશ કરાવું. ઈ દાદા ને ખબર નથી કે કોનું મોઢું સાફ કરવા નીકળ્યા છે. સિહ લાગ જોઇને મોઢું બંધ કરી દેશે ને તમારા હાથ માં ખાલી દાદા નું ધોતીંયુ અને ટોપી જ  આવશે. — શું કાકા તમે ફાલતું ની વાતો કરો છો…જુઓ કાકા આપણે આવતા રવિવારે સામેના મેદાન માં અન્ના ના કહેવાથી એક દિવસ નો વોર અગેન્સ્ટ કરપ્સન  નો કાર્યક્રમ રાખ્યો છે. એના માટે અત્યારે ફાળો ઉઘરવીયે છીએ તો  તમારા કેટલા લખું? —  લખો ૧૧ રૂપિયા. — અરે શું કાકા આ તે હોળી નો પ્રસાદ માટે  ફાળો એકઠો નથી કરતા, ૫૦૦ થી ઓછા નહિ ચાલે. અરે ભાઈ આતો બહુ કહેવાય.— અરે શું દેશ ને બચાવવા તમે ૫૦૦ રૂપિયા નહિ આપો કાકા?  અમારા ઘરઘાટીએ ૨૦૦ રૂપિયા  આપીયા છે અને પેલા જાડેજાની પત્ની ગીતા એ પણ ૫૦૦ આપ્યા છે..—ઓહ એમ વાત છે જીમી તો લખો આપણા ૫૦૧. તને ખાતરી છે ને કે ગીતા એ ૫૦૦ આપીય છે.

અરે હા કાકા અને જુઓ બધી વ્યવસ્થા થઇ ગઈ છે, નહેરુનગરના ગાઠીયા, આઝાદના પૂરી શાક, દાસના ખમણ, ગોપીનો શીખંડ બધે કહેવાય ગયું છે. — અરે ભાઈ મને તો આ બધા નામ સાંભળી ને ભૂખ લાગી ગઈ. મજા પડી જશે. પણ જીમી આ બધું તો બરાબર છે પણ બધા ખાશે તો તમારા આ અન્ના નો પ્રતિક ઉપવાસ કોણ કરશે? — અરે કાકા ચિંતા ના કરો અમારી કમિટીએ એ પણ નક્કી કરી દીધું છે કે કોણ કોણ અપવાસ કરશે.  જુવો પેલી  ઝેવિયર્સના ફાધર ડિસોઝા, આપણા નાકે ડ્રાય ક્લીનીંગ ની દુકાન ના માલિક રફીકભાઈ, આપણો કચરો વાળવા વાળો બળદેવ અને તમે! — હે!!— હું ? પણ હું શું કામ?– ભાઈ મને તો નહેરુનગરના ગાઠીયા બહુ ભાવે છે.—- અરે કાકા જુવો આપણે અપવાસ માટે સેટિંગ તો સરખું કરવું પડે ને. આજકાલ સદભાવના ની બોલબાલા છે તો તમે સમજો. તમે રહ્યા ઉચી જ્ઞાતિના હિંદુ, આપણો  બળદેવ નીચલી જાત નો, રફીક ભાઈ  મુસ્લિમ ને ડિસોઝા ક્રિશ્ચન.  બદ્ધાને સરખું પ્ર્તીનીધ્વ આપવું પડે. —એટલે જ તમને અપવાસ માટે સિલેક્ટ કર્યા છે. અરે ભાઈ પણ હું તો નાત જાત કે ધર્મમાં માનતો નથી. — અરે એમ નાં ચાલે કાકા  લોકો ગાંડા ગણશે,  આ ભારત છે, તમારે ક્યાંક તો જોડાઈ  ને તમારી જાત-ધર્મ  પ્રતિનિધિત્વ કરવું જ પડે.— ચાલો  કાકા હજી મારે બીજે ફાળો ઉઘરાવા જવાનો છે. આ વખતે તો ભ્રષ્ટાચાર દેશમાંથી ખતમ જ કરવો છે….. અને હા કાકા બીજી વાત યાદ આવી, આપણે આ મેદાન માં સભા રાખવા માટે NOC પોલીસ સ્ટેશન થી લાવવાનું છે, અને તે પહેલા મારે ઇન્કમટેક્સ ઓફીસ માંથી મારું NOC  લાવાવનું છે.– પપ્પા એ કહું છે કે તમે આખો  દિ કામ ધંધા વગરના બ્લોગ લખે રાખો છે એના કરતા મારી  સાથે જજો. — હે…. ઠીક છે પણ તારે NOC  ની શું જરૂર પડી તું તો  હજી સ્ટુડંન્ટ છે–હા કાકા પણ ન્યુઝીલેન્ડ ભણવા જવું છે અને  જવા વખતે એરપોર્ટ પર માંગે છે, માટે લેવું પડે એમ છે.ઓકે કાકા તો હું જમી ને આવી જઈશ.

હું અને જીમી જમી ને બપોરે ગાંધી બ્રીજ ના નાકે આવેલી ઇન્કમટેક્સ ઓફીસ પહોચીયા. જીમી હજી સવારના જ કપડા માં હતો. બ્લુ જીન્સ અને સફે ટીશર્ટ. ટીશર્ટ ઉપર એક જગ્યા એ તિરંગો હતો ને લખ્યું હતું–“વોર અગેન્સ્ટ કરપ્સન”— ઓફીસ માં દાખલ થતા પહેલા મેં જીમી ને  મારું જેકેટ કાઢીને આપી દીધું.– ભાઈ જીમી આ પહેરી લે ને તારું ટીશર્ટ ઢાકી દે.— કેમ કાકા? — જો ભાઈ આપણે કોઈના બેસણા માં જતા હોઈ એ તો દીપકલા ની સિલ્કની સાડી કે રેમંડ નો સુટ પહેરી ને ના જવાય તેમ ઇન્કમટેક્સ ઓફીસ માં “વોર અગેન્સ્ટ કરપ્સન” લખેલું ટીશર્ટ પહેરી ને ના જાવાય. અરે સત્ય હવે આજ છે કાકા છુપાવાનું શું કામ? —– ભાઈ સત્ય અંદર જઈ ને ખબર પડશે…તારે NOC જોઈતું હોય તો આ પહેરી લે.–આ યોગ્ય નથી હું અન્ના ને આ વિષે પત્ર લખીશ એવો બબડાટ કરતા જીમી એ જેકેટ પહેરી લીધું.

ઓફીસ માં ચહલ પહલ ખુબ હતી. લાંબી લાંબી લોબીઓ અને દરેક ઓફિસર ની કેબીન ને ચારે બાજુ ફાઈલ ના ઢગલા. બહાર ઓપરેટર બેન બેઠા હતા એને NOC  માટે કોને મળવાનું એ પૂછ્યું. બહેન ઉનનું સ્વેટર ગુથ્વામાં અને ફોન ઉપર ડોન-૨ કેવું લાગ્યું ની ચર્ચા માં મશગુલ હતા. તેથી અમારી સામે તુચ્છ નજરે જોઈ ને કોઈ જવાબ નાં આપીયો. અમે બીજી વાર પૂછયું તો — ગુસ્સામાં બબડવા લાગીયા— નવરા લોકો સરખી વાત પણ નથી કરવા દેતા….શું કામ છે? –લાલ-લાલ  થઇ ગયેલો જીમી બોલ્યો  NOC  કાઢવાનું છે.—-તો  શર્મા સાહેબ ની ઓફીસ માં જતા રહો,ડાબેથી ચોથી…..અહી શું ઉભા છો….એટલું બોલી ને પાછી  ડોન- ૨ ની ચર્ચા માં મશગુલ થઇ ગયા. — કાકા આ તે કઈ રીત છે, એની નોકરી છે આપણે ને ગાઈડ કરવાની — હું અન્નાને કાગળ લખી ને આ વિષે ચર્ચા કરીશ.— મેં મરક મરક હસતા કહ્યું  જીમી લાગે છે પહેલીવાર ગવર્મેન્ટ ઓફીસ માં આવીયો છે. — ચાલ હશે, હવે શર્મા સાહેબ ની ઓફીસ માં જઈ ને પૂછીએ.

અમે શર્મા સાહેબની ઓફિસે પહોચીયા.  શર્મા સાહેબ ટેબલ પર પગ ચડાવી ખુરશી પાછળ ધકેલી આખો બંધ કરી ને ધ્યાન ની મુદ્રા માં હતા. — જો જીમી આ તારા અન્ના નો ભગત  લાગે છે,  તારા અન્ના પણ આમ જ આખો મીચી ને ધ્યાન ધરે  છે  ને. અરે નાં કાકા આતો સુઈ ગયો લાગે છે.. —તો ભાઈ ઈ એક ધ્યાન નો પ્રકાર જ છે ને. સાહેબ NOC  કાઢવાનું છે એમ  કઈ મેં જોરથી બુમ પાડી.  સાંઢ ચારો વાગોળતો વાગોળતો બપોરના આરામ માં  બેઠો હોય ને તમારી ઉપર અડધી-પડધી આંખો ખોલી એક નજર ફેરવી લે તેમ શર્માજી એ અમારી પર નજર ફેરવી. કહી બોલોવાને બદલે શર્માજી જોર જોરથી ઊહ્કારો કરી કઈક ઈશારા કરવા લાગીયા. એમની સાંકેતિક ભાષા સમજવામાં અમે નિષ્ફળ ગયા. અચાનક શર્માજી એ મોઢું ફેરવી ખુરશી પાછળ ફાઈલ ના ઢગલા ઉપર પાન ની પિચકારી ઉડાડી…—-ક્યા હે દો-પહર કો ઠીક સે સોને ભી નહિ દેતે….NOC  ચાહિયે ના તો જાવ લોબી મેં  હેડ પ્યુન વલ્લભ ભાઈ કો મિલ લો…વોહી સબ હેન્ડલ કર તે હે, યહા કયું દિમાગ ખાતે હો…..કઈને શર્માજી પાછા ધ્યાન માં ચાલીયા ગયા….જીમી ખુબ આકુળ-વ્યાકુળ થઇ ગયો. –કાકા આ કેમ આટલી તોછડાઈ થી વાત કરે છે?– ભાઈ જીમી તું  ભર- બપોરે ભારે જમ્યા પછી સરકારી કર્મચારી ને કોઈ કામ ચીંધે તો થોડો તારા ગળામાં  ગુલાબનો હાર પહેરાવા દોડશે?—નાં કાકા આ બરાબર નથી હું અન્નાને એના વર્તન વિષે કાગળ લખીશ. — અરે મારા ભાઈ તું કેટલા કાગળ લખીશ આમ ને આમ તો તારે આખો એક ગ્રંથ તૈયાર થઇ જશે. હા કાકા એ વાત સાચી. પણ આ અયોગ્ય કહેવાય. —હશે મારા ભાઈ ચાલ વલ્લભ ભાઈ ને શોધીએ.

આમ તેમ પૂછતા પૂછતા અમે થોડી વાર માં વલ્લભ ભાઈ ને શોધી કાઢયા. ઓફિસરો કરતા વલ્લભ ભાઈ ની આજુ બાજુ લોકો વધારે ફરતા હતા. ગ્રે કલર ના સફારી ને હાથ માં લેટેસ્ટ સેલ  ફોન સાથે વલ્લભ ભાઈ નો મોભો પડતો હતો. — વલ્લભ ભાઈ અમારે NOC  કાઢવાનું છે, મેં કહ્યું.—- લાવો સાહેબ કાઢી દઈ એ એમાં કઈ મોટી વાત છે., આવો બેસો અહિયાં એમ કરી ને એણે અમને એક ટેબલ ખુરશી પર બેસાડ્યા. પહેલી વાર જીમી ના મોઢા પર પ્રસનતા  દેખાણી — જુવો કાકા પેલા બધા સાલા કામચોર છે આ હવે આપણું કામ કરી આપશે. — થોડી વાર માં વલ્લભ ભાઈ એક નોટબુક જેવું લઇ ને આવી ગયા.—- બોલો કોનું NOC કાઢવાનું છે? — મારે કઢાવાનું છે જીમીએ કહ્યું. .— પાન કાર્ડ છે…. હા… નોકરી ધંધો  શું કરો છો?…. કઈ નહિ સ્ટુડંન્ટ છુ. —- ઓહ  તો તો બહુ વહેલું કામ પતશે.— લાવો તમારું પાન  કાર્ડ….કહી વલ્ભભાઈ એ  કાર્ડ માગ્યું. એક કાગળ પર કાર્ડ માંથી બધી વિગતો ટપકાવી.પછી વલ્લભ ભાઈ કઈક ગણ ગણવા માંડિયા….ડાભી સાહેબ ના ૬  ટકા… પાઠક ના ૩ ટકા….શર્માજી ના ૧૦ ટકા ….ટાયપીસ્ટ ને પાછો પેલો જુનિયર ક્લાર્ક- હેડ ક્લાર્ક ……. ઓકે થઇ ગયું. —  સાડા પાચ હજાર જેવું ટોટલ થશે….. હે….. પણ વલ્લભ ભાઈ અમારે કઈ NOC  સર્ટીફીકેટ પર લેમીનેસન કરાવી ને અંદર  ઘડિયાળ નથી મુકવાની, ખાલી એક કાગળ જોઈ એ છે….અને આમ પણ આતો સ્ટુડંન્ટ છે. — અરે સ્ટુડંન્ટ ડિસ્કાઊંટ ગણીયું એટલે જ તો આટલો ઓછો ચાર્જ છે મોટા ભાઈ… ત્રણ સાહેબ ની સહી, ક્લાર્કનો સિક્કો અને ટાઈપ કરેલું સર્ટીફીકેટ તમને કોણ સાડા પાચ હાજર માં આપશે? .એક દમ રીસનેબલ ચાર્જ કહ્યો છે તમને.

મેં જીમી ને સામે જોયું. એ ખુબ ગડમથલ માં લાગીયો અને કઈ સમજી શકતો નહોતો.—કાકા આ સેના પૈસા માંગે છે? જીમી ઉકળી ગયો… તમારા મોટા સાહેબ ક્યાં છે મારે આ વિષે ફરિયાદ કરવી છે — અરે મોટા સાહબે તો આજે નહિ મળે ખુબ બીઝી છે, સહેજ પણ વિચલિત થયા વગર વલ્લભ ભાઈ એ કહ્યું.આજે તો સી જી  રોંડ ના જવેલર્સ ને ત્યાં રેડ પાડવા ગયા છે. બે દિવસમાં તો સપાટો બોલાવી દેશે. આ જવેલર્સોની બાઈ બેસી જવાની છે. માંડ માંડ હાથમાં આવ્યા છે. માળા બેટા કોઈ દિ પાકા બીલ જ નથી બનાવતા. આતો સારું છે કે બે મહિના પછી સાહેબ ની મોટી દીકરીના લગ્ન છે, અને એમના સમાજ માં તો દીકરીને સહેજે ૨૦૦-300  તોલા સોનું ચડાવું  પડે, એટલે સાહેબે ટાઈમ સર રેડ પાડી દીધી. અને પાછુ એ લોકો માં લેવડ દેવડ બહુ ઉચી, જમાઈ ને એસ જી રોડ પર ફ્લેટ અને ઓફીસ બંને જોઈએ છે. આતો અંદર ની વાત છે કોઈ ને કહેતા નહિ પણ આવતા અઠવાડિયે અમદાવાદના બિલ્ડરો નું આવી બનવાનું છે.  હવે તમે જ કહો  જીમી ભાઈ આ બધા મોટા માણસો ના વ્યહવાર માં તમે ક્યાં  તમારી ૫ હજારની રૂપૈડી ની  કમ્પલેન લઈને જશો? અત્યારે સાહેબ ને છોકરી પરણવાનું ટેન્શન હોય ત્યાં આવી વાત માં ધ્યાન નહિ આપી શકે. –જીમીની ફરિયાદ કરવાની આશા પર પાણી ફરી વળ્યું.

વલ્લભ ભાઈ એ જીમીને વધુ બ્રહ્મ જ્ઞાન આપવાનું શરુ કર્યું. —મેં તમને બહુ રીઝનેબલ ચાર્જ કીધો છે…. બાકી તમારી મરજી  તમે નહિ કઢાવો  તો એરપોર્ટ પર ગોહિલ સાહેબ NOC વગર રોકશે. બહુ કડક અને શિસ્ત બદ્ધ માણસ છે ગોહિલ સાહેબ. ૨૧ હાજર વગર એક ડગલું આગળ નહિ જવા દે. ૨૧ હજાર!– મારાથી પુછાઈ ગયું. મોટાભાઈ રીટાયરમેંન્ટ આડે ૮ મહિના રહ્યા છે, એટલે ગોહિલ સાહેબ પાવડે પાવડે ઉલેચવા બેઠા છે. અને કોઈ ઈ બાપ ની વ્યથા તો સમજો, સાહેબ નો છોકરો ત્રણ વર્ષ થી જામખમ્ભાળિયામાં પોલીસ સબ ઇન્સેપેકટર છે ને મફતના શાક ભાજી થી વધુ  કોઈ આવક છે નહિ. જરા વિચારો તો ખરા છોકરો કમાતો ના હોય બાપ ને ટેન્શન કેટલું રહે. કોઈ મોઢે કહેવા ના આવે પણ પોલીસ બેડા માં ચર્ચા છે કે ગોહિલ સાહેબ આટલું  કમાણા પણ છોકરાની રોજ ની આવકમાં ખાલી અઢી કિલો બટાટા અને સાડી સાતસો ગ્રામ રીગણા જ છે! આતો કોઈ એ કહ્યું કે સુરત શહેરમાં કમાણી સારી છે એટલે ગોહિલ સાહેબ એની બદલી ના  ટ્રાયમાં છે. પણ સુરત ની બદલીના ભાવ બહુ ઉચા છે એટલે ના છુટકે  ૨૧ હજારનો  નો ભાવ છે. બાકી ભગવાનનો માણસ છે ગોહિલસાહેબ. તમારા પૈસા કોઈ ખોટી જગ્યાએ નહિ વાપરે એની હું તમને ગેરંટી આપું છું.  બોલો તો NOC આપણે કરવું છે કે નહિ– વલ્લભ ભાઈ એ પૂછ્યું….. હવે જીમી સાવ ઢીલો પડી ગયો….હા કરાવું તો છે…પણ…. કહી જીમી મારી સામે જોવા લાગ્યો— કાકા શું કરશું? — કેમ તું પૈસા લઇ ને નથી આવીયો, અરે ઇન્કમ ટેક્સ ઓફીસ માં કોઈ ખાલી હાથે થોડું આવે—કાકા પૈસા તો છે પણ એ તો પેલા અન્ના ની સભા કરવી છે એના ભંડોળ નાં છે.— જો કામ આવી ગયો ને તારો અન્ના અહી. આપી દે અત્યારે પછી તું તારા ઘરમાંથી જોડી દે જે.

જીમીનો  અન્ના ને નામે લીધેલા પૈસા આપવાનો જીવ હજી નહોતો ચાલતો એટલે એણે છેલ્લો મરણીયો પ્રયાસ કર્યો. –વલ્લભ ભાઈ  એક બાજુ આપણાં મુખ્યમંત્રી કહે છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, અને બીજી બાજુ તમે….અરે જીમી ભાઈ, મુખ્યમંત્રી ને ભૂખ લાગી ના હોય તો નાં ખાય. બાકી એની સરકારના માણસો લાગ મળે ત્યારે મોઢું ફેરવીને એક બે  બટકા ભરી જ લેતા હોય છે. આમ પણ એમની વાત રાજ્યસરકાર ને લાગુ પડે. અમે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ માં આવીએ. અમારે તો અમારા કમિશ્નર ને ફોલો કરવા પડે.– વલ્લભ ભાઈ એ એકદમ ઠંડા કલેજે કહું. એક વાર મળો અમારા  કમિશ્નર ને ….મળવા જેવો માણસ છે…. હમણાં તો દુબઈ પ્રોપર્ટી નું ડીલ કરવા ગયા છે, બાકી તમે મળશો તો ખુશ થઇ જશો. આપણાં મુખ્ય મંત્રી એ તો નવું સુત્ર હમણાં આપ્યું કે…. સૌનો સાથ ને સૌનો વિકાસ— પણ અમારા કમિશ્નર સાહેબે તો વર્ષોથી અપનાવ્યું  છે….બધા ને સાથે લઇ ને અને સરખું વહેચી ને જ ખાવાનું. જો મોટા સાહેબે સી જી રોડ પર આ બધા બે નંબરીયા જવેલર્સ ને ત્યાં રેડ પાડી છે ને પણ કમિશ્નર સાહેબ નો સ્ટ્રીક ઓર્ડર છે કે મોટા સાહેબ બધું એકલું ના લઇ જાય. એન્ટી કરપ્સન વાળા ને, સેલ્સ ટેક્સ વાળા અમારો અહીનો સ્ટાફ  બધા ને પોતાના હક નું મળશે. અરે મારા ભાગે પણ અડધા તોલા ની  વીટી આવશે!! આને કહેવાય સાચો– સૌનો સાથ ને સૌનો વિકાસ!  આવા છે અમારા કમિશ્નર સાહેબ. જીવતું જાગતું કોમ્પુટર છે કોમ્પુટર.  એક દમ સતેજ દિમાગ. કઈ બેંકમાં પોતાના  કોના નામે કેટલા ખાતા કે  લોકર  છે કે પછી કયા સગા વહાલા ના નામે કઈ કઈ જગ્યાએ અમદાવાદની આસપાસ જમીન છે બધું સાહેબ ના બ્રેન માં ફીટ છે. —મેં જીમી સામે જોયું એનું મોઢું જોઈ ને લાગ્યું કે લાગ્યું કે એને ગમે ત્યારે ફીટ આવી જશે.  મેં વાત વાળી લેવાનો પ્રયત્ન કર્યો. અરે જીમી હજી આપણે ઘણા કામ બાકી છે, તું વલ્લભ ભાઈ ને પેમેન્ટ કરી દે. જીમી એ ના છુટકે અન્નાની સભા માટે ભેગા કરેલા પૈસામાંથી સાડા પાચ હજાર વલ્લભ ભાઈ ને આપી દીધા. મેં જીમીની સામું જોયું…..જીમીની આંખોની  વેદના કહી રહી હતી કે જુવાનીના જોશમાં દોડતી એની ગાડી ઉપર અનુભવોની બ્રેક વાગવાની શરુ થઇ ગઈ હતી.

ગેસનો ફુગ્ગો બે દિવસ ઉડું ઉડું કરતો હોય પણ ત્રીજા દિવસે ઘરના ખૂણા માં શાંત થઇ ને જમીન પર આવી ગયોં હોય તેમ અમારા જીમી ની  અંદર અન્નનો ભરેલો ગેસ ઇન્કમટેક્સ ઓફીસ ને બહાર નીકળ્યા ત્યાં ખાલી  થઇ ગયો. અન્ના  અને અસલિયત વચ્ચે જોજનો છેટું અંતર છે એનો જીમીને અહેસાસ થયો હોય તેવું લાગ્યું. અચાનક અમારો જીમી ફિલોસોફી પર ચડી ગયો. .બહાર નીકળતા નીકળતા કહેવા લાગ્યો….કાકા ગાંધી ક્યાં ગયો આ દેશમાંથી? — લે જીમી ગાંધી તો અહી બધે જ છે…. જો તારી જમણી બાજુ ગાંધી બ્રીજ છે….તારી ડાબી બાજુ આ આશ્રમ રોડ ની વહ્ચે ગાંધી ઉભો છે. એના બાવલાની નીચે પેલા ગાંધી ટોપી વાળા જ તો દર બીજે મહીને ભવાઈ કરે છે. થોડો આગળ જઈશ તો ગાંધી આશ્રમ આવશે ત્યાંથી આગળ ગાંધીનગર જવાય…જો તો ખરો ગાંધી તો બધે જ છે, અરે ગાંડા આ દેશની લગામ પણ ગાંધી નાં જ હાથ માં છે ને  તું ગાંધી શોધવા નીકળે છે….ચાલ ચાલ  આપણે મોડું થાય છે… હજી તો પોલીસ સ્ટેશન આપણાં પ્રોગ્રામ માટે NOC લેવા જવાનું છે. —નાં કાકા NOC  નથી લેવું…. આવતા રવિવારનો પ્રોગ્રામ કેન્સલ. …કેન્સલ!!! અલ્યા કેમ કેન્સલ?  — કાકા આ બધી ફાલતું ની વાત છે… મારે તો હવે આ દેશ છોડી ને પરદેશ  જતા રહેવું છે…

લે  હું તો તને પહેલેથી કહેતો હતો કે દાદા નું જતી ઉમરે ચસકી ગયું છે. તું જો તો ખરો કોની સામે લડવા બેઠા છે. ભ્રષ્ટાચાર બંધ કરી ને એક સાથે આટલા બધાના પેટ પર પાટું મારવાની? અરે ભ્રષ્ટાચાર વગર આ દેશને કેમ ચાલવું એજ ખબર નથી, તો ચાલશે કેમ? દાદાને લોકપાલ બીલ આ સત્ર માં પાસ કરવું હતું. શું થયું? — પેલા ઢોંગીઓ સંસદ માં રાત્રે બાર વાગ્યા સુધી  વકતૃત્વ સ્પર્ધા યોજી ને ભાષણ આપ્યા. પછી વોટીંગ વખતે સંતાકુકડી રમવા બેસી ગયા. કેટલાક અંદર રહ્યા ને કેટલાક બહાર જઇ ને સંતાઈ ગયા. અને બીજે દિવસે સાંજ પછી લોકપાલ બીલ માંથી કાગળ નું પ્લેન બનાવી ને કેટલે  દુર સુધે ઉડાડી શકાય છે એ ચેક કરવા બેઠા હોય તેમ બીલ ફાડવા બેઠા.અંતે બધા રાત્રે થાકી  ને ઘેર જઇ સુઈ ગયા. અરે આમાં તારા અન્નાનું લોકપાલ તો  કયાય ખોવાઈ ગયું. અરે જે દેશ માં ફાઈલ એક ટેબલ પરથી બીજા ટેબલ સુધી ખસતા મહિનાઓ અને વર્ષો નીકળી જાય છે ત્યાં લોકપાલ ઓછા મહિના બે મહિના માં પાસ થાય!

જો ભાઈ જીમી આ દેશમાં ખુશ થઇ રહેવાની ચાવી એ જ છે કે કોઈ પણ સરકસમાં જોડાવાનું નહિ. છેલ્લા પચાસ વર્ષથી અહી એક ધારું સરકસ ચાલે છે. દુનિયા જોવે છે ને હસે છે. આપણે હસી ન શકીએ તો કઈ નહિ પણ ચુપ ચાપ જોવાનું. હા પણ ભાગ નહિ લેવાનો. હા કાકા તમારી વાત તો સાચી છે. પણ તમારે એ પણ માનવું પડશે કે આ અન્નામાં કંઈક તો દમ  છે. અરે હા ભાઈ હું પણ માનું છું કે દમ વાળો માણસ છે પણ આ દેશ ભ્રષ્ટાચાર રૂપી દમની બીમારી થી હાંફી ગયો છે તેને તારો અન્ના નહિ બચાવી  શકે. ભાઈ  ભૂલી ગયો હોય તો પેલો ગાલીબ નો શેર યાદ કરી લે… — હમ કો માલુમ હે જન્નત કી હકીકત, લેકિન દિલ કો ખુશ રખને  કો ગાલીબ યે ખ્યાલ અચ્છા હે…..

હશે ચાલ પણ તે પ્રોગ્રામ  કેન્સલ કરી નાખ્યો ઈ માનમાં ચાલ આપણે નહેરુ નગર ના ગાઠીયા ખાવા જઈએ. એમ કહી ને મેં રીક્ષા ઉભી રાખી. રીક્ષામાં બેસી અમે નહેરુનગર તરફ રવાના થયા. વચ્ચે પેલું ગાંધી નું બાવલું રીક્ષામાં થી દેખાણું. જે મુદ્રા માં લાકડી પકડીને ઝડપથી ગાંધીજી ચાલી રહ્યા હતા એ પરથી ક્યાંક એવું લાગ્યું કે આ ગાંધી, આશ્રમ રોડ પરથી ભાગી ને દેશ છોડવાનો રસ્તો તો નથી શોધી રહ્યો ને!

Posted in Society | 8 ટિપ્પણીઓ

કાકા ફેસબુકમાં એકાઊંન્ટ ખોલાવિયું કે નહિ?

facebook-cartoon-2.jpg

રવિવાર ની સવારે હું સોફા ઉપર બેસીને છાંપાના પાના ઉથલાવતો હતો. આંખુ છાપું ફફોસી માર્યું પણ સમ ખાવા પુરતું એક સમાચાર શોધી ના શક્યો. આજના છાંપા, છાંપા કરતા વધારે રામ-સે બ્રધર ની હોરર ફિલ્મ ની સ્ક્રીપ્ટ જેવા વધુ લાગે છે. —માતેલા સાંઢની જેમ આવતો ખટારો ૬ ને ભરખી ગયો… એક સાથે દસ -દસ અર્થીઓ ઉઠી ને ગામ આખું હિબકે ચડ્યું….નરાધમોએ અબળા ની લાજ લુટી…ફલાણો પંખે લટકી ગયો, ઢીકણો પાટે સુઈ ગયો… આ બધા સમાચારોની વચ્ચે હું સમાચાર શોધતો રહ્યો. કઈ મળ્યું નહિ તો કંટાળી ને મેં ટીવી ચાલુ કર્યું. તો બ્રેકીંગ ન્યુઝ માં પેટ્રોલ છાંટી ને કોઈ આત્મ વિલોપન કરવા જઈ રહ્યોં હતો! એ દીવાસળી ચાંપે તે પહેલા મેં મારા રીમોટ ની લાલ સ્વીચ ચાંપી દીધી. થોડા ઊંડા શ્વાસ લઇ ને  મગજમાંથી આ બધો કચરો કાઢવાનો પ્રયત્ન કર્યો. ત્યાં તો અમારા પાડોશી નો કોલેજ માં ભણતો સ્માર્ટી જીમી આવી ગયોં. સાંચુ નામ તો જીવણલાલ મિસ્ત્રી છે પણ એ પોતાને બધે જીમી થી ઓળખાવે છે.

કાકા ફેસબુકમાં એકાઊંન્ટ ખોલાવિયું કે નહિ?—-કેમ બેંક ઓફ ઇન્ડિયા કરતા વધુ વ્યાજ આપે છે? મેં પૂછ્યું. અરે કાકા કઈ દુનિયા માં વસો છો હું બેંક ના એકાઊંન્ટની વાત નથી કરતો. ફેસુબુક કાકા ફેસુબુક. કમ્પ્યુટર….ઈન્ટરનેટ….ફેસુબુક. —અલ્યા એય અલીગઢ થી નથી આવ્યો ઈન્ટરનેટ, કમ્પ્યુટર આ બધું વર્ષો થી ખબર છે. પણ આ ફેસબુક વળી શું છે? —–જુઓ કાકા હું તમને બતાવું. એમ કહી ને એણે કંઇક કાળી પાટી જેવું કાઢ્યું.—- કેમ ભાઈ તમે કોલેજ માં પાટી લઇ જાવ છો? મેં પૂછ્યું— અરે કાકા આ આઈ -પેડ છે, એમાં એપ્સ હોય. ઓહ તો આ ઝાડમાં વાંદરા હોય.— હવે શું કાકા મેં એવું ક્યાં કીધું.— કેમ તે જ તો કીધું આ પેડ છે, હિન્દી માં ઝાડ ને પેડ કહેવાય અને એપ્સ એટલે અંગ્રેજી માં વાંદરા.—- શું મજાક કરો છો કાકા તમારે ફેસબુક જોવું છે કે નહિ?— હા ભાઈ હા જોવું છે બતાવ તારું ફેસબુક.

કાળી પાટી પર કોઈ કંકુ ના ચાંદલા કરતુ હોય કે  સાથીયા દોરતું હોય તેમ એ આંગળી ફેરવવા લાગ્યો. થોડી વારમાં એક બ્લુ કલરના પટ્ટા વાળું સફેદ વેબ પેજ ખોલ્યું. અલ્યા આ ફેસબુક છે? મેં પૂછ્યું. આ તો મને ખબર છે… આપણો બ્રહ્માણી હેર કટિંગ સલુન વાળો લીમ્બાચીયો નહિ, જયારે પણ વાળ કાપવા માટે લાંબી લાઈન હોય ત્યારે એ મને એનું લેપટોપ પકડાવી ને આવુજ કોઈ પેજ ખોલી ને આપે છે, અને કહે છે કે તમે સારું લાખો છો તો અમારા ગ્રુપ વિષે કઈ મારા વતી લખી દો…. શું નામ હતું એના ગ્રુપ નું…..લેટ મી થીંક……. હા-હા પ્રોગ્રેસીવ વાળંદ સમાજ.

હવે તમે શું કાકા વાળંદ સમાજ ના પેજ પર જાવ છો.– કેમ વાળંદ માણસ નથી એને એનો સમાજ ના હોય? — હશે કાકા પણ જુવો હું તમને બતાવું કે આ ફેસબુક કેમ ઓપરેટ થાય. જો તમારે અહી રજીસ્ટર કરવાનું, પછી તમારો ફોટો ચડાવી ને બધાને ફ્રેન્ડ ની રીક્વેસ્ટ મોકલવાની, આને વોલ કહેવાય.—- ભાઈ મારા ફ્રેન્ડ ની રીક્વેસ્ટ મોકલવાથી થોડો કોઈ ફ્રેન્ડ થાય? ફ્રેન્ડ તો સ્કુલ ના દિવસો માં થાય, ગલીમાં ક્રિકેટ રમતા હોય ત્યારે થાય કે સ્કુટર પર રાત ના બે વાગ્યા સુધી ૩ સવારી માં ફરતા હોય કે ચાની કીટલી પર જેની સાથે ચા પીતા હોય ત્યાં થાય. ફેસબુક પર થોડા થાય.??—- અરે કાકા તમે કોન્સેપ્ટ સમજો. તમે એક આખું નેટવર્ક ઉભું કરી શકો.— ઓહ અચ્છા, લાવ તો તારું ફેસબુક ની એકટીવીટી તો જોવા દે. જુઓ કાકા પણ કઈ મચડતા નહિ. અરે ડોન્ટ વરી દોસ્ત લાવ જોવા તો દે. એમ કહી ને મેં એની કાળી પાટી હાથ માં લીધી.

ઓ હો હો આ શું ૧૦0૭ તારા ફ્રેન્ડ છે.! તો તું આ બધા ને ઓળખે છે? —- આઈ મીન કાકા ખ્યાલ છે , જુઓ કાકા આ પેલો મારો ફ્રેન્ડ વીકી નહિ—હા પણ આ ક્યાં વીકી નો ફોટો છે. —-નાં કાકા આ વીકી નથી પૂરું સાંભળો તો ખરા, આ વીકી ના પાડોશી ને ત્યાં જે એ.સી ની સર્વિસ કરવા આવે છે એનો સન છે.—- હે! –ઈ તારો ફ્રેન્ડ છે?? ના કાકા પણ ટચ માં રહેવાનું ક્યારેક એસી બેસી બગડે તો કામ માં આવે….. આઈ નો કાકા થોડા વધી ગયા છે, પણ ડીલીટ કરવાનો ટાઈમ નથી મળતો. —- અરે એ તો ઇઝી છે લખી નાખ કે મિત્રો મારે દસ હજાર રૂપિયા ની તાત્કાલિક જરૂર છે. જોઈ બીજે દીવસે ૧૦0૭ માંથી ખાલી ૭ જ બાકી રહેશે. અરે ના કાકા એવું કઈ નથી કરવું આપણે… કાકા તમે પણ આવું જોરદાર ફ્રેન્ડનું લીસ્ટ બનાવી ને બધાના ટચ માં રહી શકો. અલીયા આટલા બધા ના ટચ માં રહેવા જઈ એ તો પછી આપણી વાઇફ સાથે આપણો ટચ છુટી જાય. હશે લાવ આગળ જોવા દે….. લે આ શું છે — “માય પ્રિન્સ બર્થ ડે પાર્ટી પિક્ચર”— લાવો તો પ્રિન્સ ની બર્થડે પાર્ટી ના પિક્ચર જોઈ એ….. ઓ..હો… હો આનો બાપ તો બળદીયા જેવો ને માં હિડિંબા જેવી લાગે છે. અને આપણો આં પ્રિન્સ કયા એન્ગલ થી પ્રિન્સ લાગે છે? ઘટોત્કચ જેવો તો પ્રિન્સ છે. લખી નાખું હેપી બર્થડે ટુ ઘટોત્કચ?—- રહેવાદો કાકા આગળ જુવો….. હમમ.. આ જોવા દે… આ ભાઈ કોણ છે આટલા બધા સુવિચાર લખવા બેસી ગયા છે….અલ્યા એક દિ માં આણે કેટલા સુવિચાર ઠોકી દીધા છે…..આ જબાદીયો આખો દિ ફેસુબુક પર જ બેસી રહેતો લાગે છે…ફિલોસોફી પર ફિલોસોફી ઝાડે રાખી છે આમ ૨૪ કલાક ફેસબુક પર પડ્યો રહે છે તો ખરે ખર તો એણે જ આમાનો કોઈ એક સુવિચાર જીવન માં એપ્લાય કરવાની જરૂર લાગે છે. — મુકો એને કાકા આગળ વધો— લેટ મી ચેક…. આ કોક પરદેશ ફરવા ગયો લાગે છે…ઓત્તારીના આટલ બધા ફોટા? ફરવા ગયોં તો કે ફોટા પાડવા? સમજ્યા વગર દીધે જ રાખીયા છે… અને પાછી સ્ટાઈલ તો જો પેલા રણબીર કપૂર જેવી મારે છે…. આ ઢગો ચાલીસ નો તો દેખાય છે…જો તો ખરો હેવમોર ના ચણા પૂરી ની પૂરી જેવું તો મોઢું સુજી ગયું છે. ટીશર્ટમાંથી ફાન્દ બહાર ડોકા કાઢે છે…તો પણ ફેસબુક પર રહી ગયો હોય એમ અદા થી ફોટા ચડાવે છે.— કાકા શોખ ની વાત છે…. તમે કાકી ને ફરવા નાં લઇ જાવ એવું બીજા તો ના કરે ને. —હે……! હશે… હશે… ચાલ આગળ વધીએ….લે આ ભાઈ એ તો યુટ્યુબ ની વીડિઓ જ ચડાવે રાખી છે… બીજું કાય કામ નથી લાગતું. પણ દોસ્ત આ વીડિઓ હું યુટ્યુબ પર જઈ ને ના જોઈ શકું? — એવું નથી કાકા આ વીડિઓ એની પસંદ ની છે.—તો એની પસંદ ની છે તો મારે કેટલા ટકા? અરે કાકા તમને કઈ સમજણ નથી પડતી…. એકલી વિડીઓ નથી હોતી, ભગવાનના ફોટાના પોસ્ટ પણ હોય છે ઘણા ગીતા વિષે પણ લખે છે.—– અરે ગીતા વિષે ક્યાં લખ્યું છે? ક્યાં છે સાલી ચાર દિવસથી ગેલેરીમાં નથી આવી. —અરે કાકા રહેવાદો આ રાઠોડ સાહેબની પત્ની ગીતા ની વાત નથી…અને જો રાઠોડ સાહેબ ને ખબર પડશે કે તમે દાઢી કરતા-કરતા પાણી લેવાના બહાને સવારે ચાર વાર રસોડાની ગેલેરીમાં આવો છો તો જરા વિચારજો તમારું શું થશે…. રાઠોડ સાહેબ પોલીસખાતા માં છે, સવારે સફારી પહેરી ને બુલેટ પર સાઈડ માં પિસ્તોલ રાખી ને નીકળે છે…. તમારી જેમ બદનીયું ને મેલો લેઘો પહેરી ને સ્કુટી પર થેલી લટકાવી આદુ મરચા લેવા નથી નીકળી પડતા. અને હા કાકા ગેલેરીમાં આટા મારવાનું ઓછુ કરો, આ ૮ નંબરના પ્રોફેસર માંકડ નહિ? રોજ સવારે એકનો એક ટુવાલ ગેલેરીમાં છ વાર સરખો સૂકવવા નીકળતા હતા…હમણાં એક દિ રાઠોડની નજરે ચડી ગયા…છેલ્લા એક અઠવાડિયાથી લંગડાઈ ને ચાલે છે… પૂછો તો પ્રોફેસર સાહેબ કહે છે કે કાય નહિ થોડી મચકોડ આવી ગઈ છે. …પણ હકીકતમાં રાઠોડે એમના જ લેકચર લઇ લીધા છે.—- લે ભાઈ એમ વાત છે… આજથી દાઢી કરવાનુજ બંધ.— મેં કહ્યું.

આપણે ભાઈ આડી વાતે ચડી ગયા પણ પાછુ તારું ફેસબુક ચેક કરવા દે….– લે આ ચેક ઇન શું છે?—– કાકા તમારી પાસે કોઈ મોબાઇલ હોય અને તમે કોઈ હોટેલ માં ઉતર્યા હો કે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હો, તો તમે આ બટન દવાબી તમારું લોકેસન લોકો ને જણાવી શકો. સાથે કોઈ નોટ પણ મૂકી શકો.— હે તો હું જાજરૂ માં ગયો હોઉં તો મારું લોકેસન લોકોને જાણવી શકું?? ને સાથે એવી નોટ મૂકી શકાય કે આજે ચોથો દિવસ છે પણ દસ્ત સરખો ઉતરતો નથી, અત્યારે ચેક આઉટ કરું છું ને કાલે વળી પાછો ચેક ઇન કરી ને ટ્રાય મારીશ.— શું કાકા તમે પણ….— દોસ્ત એ ખબર ના પડી કે આપણે ક્યાં છે ને શું કરીએ છીએ એનું ભાગવત આખી દુનિયા આગળ કરવાની શું જરૂર? — એ મને ખબર નથી કાકા, બધા આ ફીચર યુસ કરે છે એટલે આપણે પણ કરવાનો. — દોસ્ત બીજી તારા આ ફેસબુક માં ખબર ના પડી કે બધા પિકચરો નીચે એક બે શબ્દ જ કેમ લખે છે . વેરી નાઇસ, ક્યુટ, સુપર્બ પણ આગળ કઈ કેમ લખતા નથી? આઈ મીન વિચારો ની આપ લે – બ્રેન સ્ટોર્મીંગ એવું કઈ તો દેખાતું નથી. — ઈ વળી શું હોય કાકા? — અને કાકા તમે સમજો, આપણે ગુજરાતી રહ્યા ઈંગ્લીશ માં એક વાક્ય લખવા કરતા આપણા માટે એવરેસ્ટ ચડવો સહેલો છે. એટલે પછી આપણે ટુંકાણ મા હાય ને બાય થી જ પતાવી દઈએ.

તો કાકા કેવું લાગ્યું તમને આ ફેસબુક?.— સાચું કહું દોસ્ત મને આ નવરા માણસ નું કામ લાગ્યું. અરે કાકા એમ કઈ હોય તો તમે બ્લોગ લખો છો એ શું છે? — અરે નાના એ તો હું માંર વિચારો પ્રદર્શિત કરુ છું. ઓકે કાકા એવું રાખો — લાવો મારું આઈ પેડ મારે એક બે જગ્યા એ ટ્વીટ કરવાના છે.— ઓહ તને પેટમાં વીટ આવે છે ઉભો રહે તને ઇનો પીવડાવું? કાકા ટ્વીટ— ટ્વીટ…ટ્વીટર ની વાત કરું છું.—– લે એ વળી કયું જનાવર નું નામ છે…. કાકા પછી ક્યારેક કહીશ અત્યારે મોડું થાય છે. એમ કહી ને અમારો જીમી એની કાળી પાટી લઇ ઘરની બહાર નીકળી ગયો.

વળી પાછો હું સોફા પર બેઠો બેઠો વિચારોના ચગડોળે ચડ્યો. સાલું આ ફેસબુક છે શું? નાના મોટા બધાને ઘેલું લગાડીને બેઠું છે. ટ્રેન- બસ સ્ટોપ, રેસ્ટોરન્ટ જ્યાં કઈ જોઈએ તો પેલું નાનું બાળક જેમ અરીસા સામે એકલું એકલું બબડ બબડ કરી ને હસતું હોય તેમ લોકો એકલા એકલા ગાંડા ની જેમ ફોન સામું જોઈ ને હસે રાખે છે. ફેસબુક પર ફ્રેન્ડના લીસ્ટ વધી રહ્યા છે પણ માણસ ના અરસ-પરસ ના સવાંદ ઘટી રહ્યા છે. માં- બાપ છોકરાને વિડ્યો ગેમ રમવાની નાં પાડે છે પણ પોતે ફેસબુક પર થી ખસતા નથી. ક્યાંક એવું તો નથી કે અંદર થી એકલો પડી ગયેલો માણસ ફેસબુક પર સવાર સાંજ આટા મારી ને પોતાની એકલતા છુપાવી રહ્યો છે? ખબર નહિ માણસ ને પોતાની આખી લાઈફના પાનાં દુનિયા સામે ખોલી નાખવામાં શું મજા આવે છે. માણસ ફેસબુક પર શું અને કોને શોધી રહ્યો છે એ હું સમજી શકતો નથી…..હજી કઈ આગળ વિચારું ત્યાં મારી પત્ની એ અંદર થી બુમ પાડી —– ” સાંભળો છો આ કબાટ ના ઉપલા ખાના માંથી આપણા લગ્ન ના જુના ફોટા કાઢી દિયોને, મારે સ્કેન કરી ને ફેસબુક પર મુકવા છે…..”

Posted in Society | Tagged , , , , , , | 12 ટિપ્પણીઓ

આ થીગડું વળી શું છે?

હું જયારે સાત-આઠ વર્ષનો હતો, ત્યારે મમ્મી સાથે અમદવાદ ની પાંચશેરી માં શાક લેવા જવાનું થતું. અમે ૪૮ નંબરની બસ પકડી ને લાલદરવાજા ઉતરતા. એ સમયે કદાચ અમદવાદમાં ચાલતી અને લોકો ને  ઉભા રાખવાની હિમંત ધરાવતી એક માત્ર ટ્રાફિક લાઇટ નેહરુ બ્રીજના નાકે હતી. ઘણી વાર બસનું આ લાઇટ ને લીધે ત્યાં  ઉભા રહેવાનું થતું હતું. જયારે પણ બારી ની બહાર જોતો, તો એ જામ થયેલા ટ્રાફિક માં  કેટલાક નાના છોકરાઓ  લોકોની ફિયાટ -એમ્બેસડર ને  મેલા ઘેલા કપડાથી લુછતા દેખાતા હતા. એમના મેલા-ઘેલા શર્ટ અને ચડ્ડી ઉપર ઘણી જગ્યા એ નાના-મોટા ચોરસ કપડાના ટુકડાઓ ને સોય દોરે થી સીવવામાં આવ્યા હતા. બસમાં નજર ફેરવી ને જોતો, તો કોઈના કપડા પર આવી ડીઝાઇન દેખાતી નહોતી. એક વાર મેં મમ્મી ને પૂછયું —કે આ શું છે? તો એ કહે કે થીગડું— બસ  આ જ હતો મારો પ્રથમ પરિચય થીગડાં સાથે. લગભગ ૨૫-૩૦ વર્ષ પછી વળી પાછુ એજ આશ્રમ રોડ ઉપર એજ ટ્રાફિક લાઇટ આગળ ઉભા રહેવાનું થયું. આ વખતે હું મારી પત્ની અને મારા ૫-૬  વર્ષના દીકરા સાથે ટેક્ષીમાં હતો. અચાનક મારા છોકરાએ અનાયસે જ પૂછયું,  ડેડી આ લોકોએ  આવા કપડા કેમ પહેર્યા છે? મેં બારીની બહાર  નજર દોડાવી, તો કેટલાક છોકરાઓ ઔડી કારને લુછી રહ્યા હતા! વળી પાછા એજ મેલા- ઘેલા કપડા અને એ કપડા ઉપર પેલા ચોરસ નાના મોટા  ટુકડાઓની  સોય-દોરાથી સાંધેલી ડીઝાઇન! પચ્ચીસ વર્ષમાં તો ઘણું બધું બદલાય ગયું હતું. આ શહેર પહોળા રસ્તા, મોટી મોટી કાચની ઈમારતો, ભવ્ય  ટાઉનશીપ, નવું નક્કોર એરપોર્ટ ,મોલ- ફાઇવ સ્ટાર હોટેલો, BRTS , જાત જાત ના સેલ ફોનો અને દર બીજે દિવસે બહાર પડતું નવી કારના મોડેલથી ધમ-ધમતું હતું.  અરે પેલી ટ્રાફિક લાઇટ પરથી એમ્બેસડર ખોવાઈ ગઈ  ને એની જગ્યા હવે તો ઔડી એ લઇ લીધી હતી. બધુજ બદલાય ગયુ. બસ ના બદલાણું તો પેલું સાલું થીગડું. વાયબ્રન્ટ ગુજરાત આવી ગયું, ઇન્ડિયા શાયનીગ આવી ગયું તો પણ સાલું થીગડું તો ત્યાં ને ત્યાં જ રહી ગયું.

માનીએ કે ના માનીએ પણ આ થીગડું તો અપણા જીવનનો એક ભાગ બની ચુક્યું છે. સ્કુલે  જતા સાયકલમાં પંક્ચર પડ્યું હોય કે રશિયન બનાવટનું આકાશ માં ઉડવા કરતા જમીન પર પડવામાં વધુ માનતું આપણી ઇન્ડીયન આર્મી નું  મીગ-૨૧ હોય, બંને જગ્યાએ આપણે થીગડું જ તો મારી ને ચલાવી લઇએ છીએ. તમારા અંદર બેસી ગયા પછી એર ઇન્ડિયાની ફ્લાઈટ ૪ કલાક મોડી પડે છે ત્યારે તમારી જાણ બહાર એમાં ક્યાંક  થીગડું જ તો મરાતું હોય છે. દીકરી પરણવાની બાકી હોય, ત્યારે બાપ બાટાના સેન્ડલમાં થીગડા જ મારાવતો હોય છે. મારા જેવો પાસ થવા માટે ફાફા મારતો વિદ્યાર્થી  આન્સર પેપર  જોડે સપ્લીમેન્ટરી નાં થીગડા જ મારી -મારી ને તો સાચા ખોટા પાના ભરતો હોય છે. જુવાની માં હોશે- હોશે બાંધેલા પેલા ઘરની છતમાંથી જયારે ઘડપણમાં કાટ ખાઈ ગયેલા સળિયા ડોકાતા હોય છે ત્યારે આપણી ખાલી થઇ ગયેલી બચતને  છુપાવવા આપણે સિમેન્ટનું થીગડું જ તો મરાવી દઈ એ છીએ. અને પેલા શેઠ ની નજર થી બચવા નોકરાણી  સાડીમાં થીગડું જ તો લગાડતી હોય છે. અરે ભારતમાં ડિવોર્સ નું આટલું ઓછુ પ્રમાણ આ પતિ-પત્ની ના સંબધોમાં મારી દીધેલ થીગડા થી જ તો છે.

તો થીગડું ક્યાં  નથી આપણા દેશ માં?  જરા આ મેટ્રો ને મેગાસિટી ની ઝાકળ- માકળ થી  પંદર  કિલોમીટર દુર જશો તો તમને ચારે બાજુ થીગડા દેખાવા માંડશે. આને  કહેવાય નસીબ પર ગરીબીનું મરાઈ  ગયેલું થીગડું. આપણે તો આપણી મસ્તીમાં ખોવાયેલા છીએ ને દેખતી આંખે વર્ષોથી અંધ થઇ ચાલતા આવ્યા છીએ. એક વાર આંખો ખોલી ને ધ્યાનથી જુવો. તમને ચારે બાજુ થીગડા જ થીગડા દેખાશે. ભાઈ મારા આ બ્લોગ નું નામ થીગડું છે કારણ કે  ભારત એક થીગડું-પ્રધાન દેશ છે.

Posted in Introduction | 21 ટિપ્પણીઓ

હું અહી શું લખીશ?

વર્ષો પહેલા ૧૦માં તથા ૧૨માં  ની બોર્ડ ની પરીક્ષા વખતે આવો જ કોઈ એક પ્રશ્ન મનમાં ઉદ્ભ્વિયો  હતો કે હું આ ઉત્તરવાહીનીમાં શું લખીશ?  એ સમય શું લખયુ હતું એ તો અત્યારે યાદ નથી પરંતુ એટલું જરૂર યાદ છે કે કદાચ માસ્તર ને પેપર તપાસવાના પૈસા ઓછા મળતા હશે કે પછી કામચોર સરકારી ક્લાર્કો ની આળસ હશે પરંતુ  એ લોકો માર્કશીટમાં  સન્માનજનક આંકડાઓ મુકવાનું  ભૂલી  ગયા હતા. ઘણા સગા સંબધી એ વખતે કહ્યું હતું કે પેપેર ખોલાવો. પણ પેપર ખોલાવા જતા આપણી પોલ ખુલી જવાની શક્યતાઓ મને વધુ જણાતી હોવાથી  મેં એ હમેશા ટાળ્યું હતું.  પરંતુ આશા રાખું છું કે આ  નવી શરુ કરેલી બ્લોગ માં હું કઈક સારું લખી શકીશ.

તો હવે સવાલ એ છે કે  ખરેખર હું અહી શું લખીશ? સાચું કહું તો મને જ ખબર નથી.  હા એટલું કહી શકું કે  હું  મારા વિચારો નો રાજા છું અને જયારે-જયારે પણ મને ચિત્ર -વિચિત્ર વિચાર આવશે ત્યારે હું તેમને અહી કલમ થી વાચા આપવાનો પ્રયત્ન કરીશ. મેં થોડા ઘણા  વિચારો ને ફેસબુક પર વહેતા મુક્યા છે અને માર કેટલક સંબધીઓ તથા મિત્રો ને પસંદ પણ પડ્યા  છે. તો પછી કદાચ એવા જ વિચારો ને એકઠા કરી ને અહી મુકતો રહીશ.

મિત્રો, હું કોઈ લેખક નથી કે નથી કોઈ સહિય્ત્કાર કે પત્રકાર. માટે મારી બ્લોગ જો વાંચો તો મારી  નિશાળ ના માસ્તરો અને મારા માતા- પિતા જેવો અભિગમ અપનાવજો—  બહુ અપેક્ષા ના રાખશો. તમને મારું લખાણ  ગમે તો જણાવજો અને ના ગમે તો પણ જણાવજો. શક્ય બને કે તમને મારું લખાણ નહિ પણ ગમે, પરંતુ વિચારો ને મારી મચડી ને મુકવાનું કામ આ આ ૨૪ X ૭ ચાલતી નૌટંકી મારો મતલબ છે આ ઇન્ડિયાની ન્યુઝ ચેનલો અને આ એશ્વરીયા ના હાથમાં એની જ બેબી છે કે નહિ એ ફોટાનું ફ્રન્ટ પેજ પર વિશ્લેષણ કરતા ભારતના અગ્રણી અંગ્રેજી અખબારો નું કામ છે. મને તો જે સારું ને સાચું લાગશે (જે ખોટું પણ હોય શકે છે) એ અહી મુકવાનો પ્રયત્ન કરીશ. ક્યારેક એ  લેખ સ્વરૂપે હશે તો ક્યારેક એ કોઈ ફોટા કે વિડીયો સાથે  નાની નોધ સ્વરૂપે. નિયમિત રીતે તો હું ટોયલેટ પણ  જતો નથી તો બ્લોગ કયાથી અપડેટ કરીશ. પરંતુ સમય મળશે અને કઈક લખાવની કે આપ સૌ ને જાણવણી ઈચ્છા થશે ત્યારે જરૂર થી અપડેટ કરીશ.

ચાલો આમ તો જીવનમાં હજી સુધી ગેસ પર ચા ઉકાળવાથી વિશેષ કઈ  ઉકાળ્યું નથી, જોઈ એ હવે આ બ્લોગ ના ગતકડા માં કેટલુક ઉકાળી શકીએ છીએ….

Posted in Introduction | Tagged , , , | 13 ટિપ્પણીઓ